ગુજરાતી સાહિત્યમાં ઇસ. ૧૯૫૫ થી ૧૯૮૫ સુધીનો ત્રણ દાયકા જેટલો સમય ગાળો
લગભગ આધુનિક પ્રયોગશીલ ટૂંકી વાર્તાનો છે. આ સમયમાં વાર્તા લેખન કરતા
લેખકોએ તેમની વાર્તાઓમાં પરંપરા થી કંઈક જુદું આપવાનો પ્રયત્ન કર્યો છે.
સર્જક ચેતનાની બદલાયેલી પરિસ્થિતિ ને કારણે સર્જકોને પ્રયોગો કરવાની
જરૂરિયાત ઉભી થાય છે. ઘણીવાર આવી અનિવાર્યતા આદતમાં પલટાઈ જાય છે અને
પ્રયોગને વળગીને ચાલવા લાગે છે. પ્રયોગનું વળગણ સર્જક માટે ક્યારેક
દુષ્કર નીવડે છે. કશું નવું કરવાની લાહ્યમાં અંતે કશું સિદ્ધ ન થાય તેમ
પણ બને છે પરંતુ શ્રી મહેશ બાલાશંકર દવેની વાર્તાઓમાં માત્ર પ્રયોગોનું
વળગણ નથી પણ સર્જક ચેતનાની અનિવાર્યતા છે. તેમની પાસેથી આપણને પ્રયોગશીલ
અને સત્વશીલ તથા વિષય વૈવિધ્ય સભર વાર્તાઓ મળે છે. શ્રી મહેશ દવેના આ
પ્રસ્તુત સંગ્રહમાં તેમની કુલ ૪૬ વાર્તાઓ ઉપરાંત તેમની વાર્તાઓ પર લખાયેલ
વિવિધ લેખો, તેમની સાથે ચર્ચાયેલ સાહિત્યિક પ્રશ્નો મુલાકાત સ્વરૂપે
પરિશિષ્ટમાં સમાવીને આ સંપાદન ને શાસ્ત્રોક્ત સ્વરૂપ આપવાનો પ્રયત્ન
કરેલ છે. સાહિત્ય પ્રેમી અને સાહિત્ય રસિકોને આ આધુનિક પ્રયોગશીલ ટૂંકી
વાર્તાઓ સૌંદર્યલક્ષી આનંદ તો પીરસશે જ પરંતુ સાથે સાથે તેમને જીવનની
સૂક્ષ્મતા, માનવ મનની આંટીઘૂંટી, માનવીય સંબંધો -સંવદેના નું નવું ગણિત
અને માનવીની જીવનબોધ પામવાની ખેવના વગેરે જેવા વિષયો સમજવા માટેની
સજાગતામાં વધારો કરશે.