વિચાર તો ફક્ત એક થ્રીલર વાર્તા લખવાનો હતો. વાર્તાની શરૂઆત કરતી વખતે ફક્ત શીર્ષક અને થોડા આછા વિચારો જ મગજમાં હતા. વાર્તાની શરૂઆત તો થઈ ગઈ પણ પછી વિચાર આવ્યો કે હું જે આ વાર્તામાં કહેવા માગું છું એ થોડા શબ્દોમાં સીમિત નહિ થઈ શકે એટલે એને લઘુનવલનું સ્વરૂપ આપું. એમ પણ ગુજરાતી ભાષામાં જૂજ થ્રીલર લઘુનવલ છે. એક એક પ્રકરણ લખતો ગયો એમ એમ મારા વિધાર્થીઓ અને સાથી મિત્રોનો બહોળો પ્રતિભાવ મળતો ગયો. આ લઘુનવલને પુસ્તકનું સ્વરૂપ આપવાનો કોઈ વિચાર નહોતો પરંતુ મારા વડીલ સ્નેહી શ્રી દિલીપભાઇ ત્રિવેદીએ આને પુસ્તક સ્વરૂપ આપવાનું કહ્યું અને આજે આ લઘુનવલ એક પુસ્તક સ્વરૂપે તમારી સામે હાજર છે. સ્નેહીશ્રી દિલીપભાઇ ત્રિવેદીનો ખૂબ ખૂબ આભાર.