આ કાવ્યસંગ્રહના રચયિતા કવિ, ગઝલકાર, સંવેદનશીલ વિચારક શ્રીમાન કલ્પેશ શાહ મારા સુપુત્ર છે. તેઓશ્રી “કલ્પા” ના ઉપનામ(તખલ્લુસ)થી પ્રચલિત છે. હું પોતે એક ભજનિક, ગાયક, ગીતકાર છુ. બાળપણથી મારો તે શોખ રહ્યો છે. કલ્પેશભાઈમાં તે ગુણ, કળા વારસામાં ઉતરી આવ્યા છે એમ કહું તો અસ્થાને નહિ ગણાય. કલ્પેશભાઈ નમ્ર, શાંત, સૌજન્યશીલ અને ઋજુ સ્વભાવ ધરાવે છે. તેઓશ્રીએ હળવી તથા વિનોદીશૈલીમાં ઘણી ગઝલો તથા કવિતાઓ લખી છે. મા – બાપ, નોકરી, મોંઘવારી, પ્રકૃતિ, માણસાઈ, દેશભક્તિ, પ્રેમ, બાળપણ તથા વિવિધ વિષયો પર તેમણે પોતાની વ્યથા કથા માર્મિક શબ્દોમાં રજુ કરી છે. સ્પંદનોનો અવિરત પ્રવાહ વેહવો એ જ એક કોમળ હ્રદયના સર્જકનો ખજાનો છે. જે આપણને તેમની રચનાઓનો આસ્વાદ લેતા અનુભવાય છે.