કોઈનોય પ્રેમ ખોટો હોતો નથી. પ્રેમ એટલે ઈશ્વર. આવું પહેલેથી જ આપણે વાંચતા અને સાંભળતા આવ્યા છીએ. કોઈ વ્યક્તિના દિલમાં સહજ ભાવે ઊગેલો પ્રેમ ખોટો હોય એવું કહેવાની હિમ્મત હું સપનામાંય ના કરું. પણ આજની સદીમાં થતો પ્રેમ વ્યક્તિને અવળા રસ્તે લઈ જતો નથી પરંતુ વ્યક્તિ જ પોતે પ્રેમ ઉપર હાવી થઈને પ્રેમને ગેર માર્ગે દોરી જાય છે એવું મારુ માનવું છે. ગમતી વ્યક્તિ ના મળે એટલે પોતાને હાની પોંહચાડવી અને સામે વાળી વ્યક્તિને પણ ઈજા પહોંચાડવી એ બીજું ગમેતે હોય, પ્રેમ તો નથી જ. પ્રેમ એટલે માનસિક સુખ. માનસિક દુ:ખ આપે એતો વ્હેમ (મોહ) કહેવાય. જે વ્યક્તિથી પ્રેમ છે એ વ્યક્તિનું ખાલી નામ કાફી છે ખુશ થવા માટે. ગમતી વ્યક્તીની યાદ આવતા જ બધા કામનો ભાર અને થાક ઉતરી જાય એ પ્રેમ. આગવો સમય કાઢીને એ વ્યક્તિને વાગોળ્યા કરવાનું મન થાય એ પ્રેમ. પ્રેમને જીતવાનો ના હોય, પ્રેમને તો જીવવાનો હોય. અને એ આવડત આપણામાં હોવી જોઈએ.
આ નવલકથામાં મુખ્ય ત્રણ પાત્રો છે. બે પાત્રોને અમદાવાદ શહેરમાં જ જીવંત રાખ્યા છે. એના મુળ સ્થાનમાં કદાચ મારી અમદાવાદ પ્રત્યેની લાગણી છે એવું હું માનું છું. અમદાવાદ શહેર મારું મોસાળ છે એવું કહેવા કરતા અમદાવાદ શહેર મારા મમ્મીનું પિયર છે એવું કહેવું મને વધારે ગમશે. કારણ કે મારા મમ્મી જ અમદાવાદના ના હોત તો કદાચ અમદાવાદ સાથે આટલો અંગત નાતો ના હોત. આમ તો મારી જન્મ ભૂમી પણ અમદાવાદ છે. અમદાવાદે મને નાનપણમાં રમાડેલો હોય એવું હું અનુંભવી શકુ છું.