ઐતરેય ઉપનિષદ :
ઐતરેય ઉપનિષદ્ ઋગવેદના ઐતરેય આરણ્યકમાંથી લેવામાં આવ્યું છે. તેમાં ત્રણ અધ્યાય છે અને ત્રણેય અધ્યાયોમાં કુલ મળીને છ ખંડ છે તથા તેમાં ત્રેવીસ મંત્રો છે. એ દૃષ્ટિએ આ ઉપનિષદ્ નાનું છે.
ઉપનિષમાં પરબ્રહ્મ પરમાત્માએ કરેલી સૃષ્ટિની રચના યોજનાબદ્ધ અને ક્રમશઃ સમજાવવામાં આવી છે. પ્રથમ તપ સહિત સંકલ્પ કર્યા પછી પરમાત્માએ પંચમહાભૂતોની રચના કરી. તેમાં ઉપરથી નીચે સુધીના લોકની રચના કરી, જેને ક્રમશઃ અમ્ભ, મરીચિ, મર અને જલલોક એવાં નામ આપ્યાં.
ઉપાસ્યદેવ પરમાત્માના તત્ત્વને જાણવાની ઈચ્છા ધરાવતા મનુષ્યોએ કોની ઉપાસના કરવી જોઈએ તેનું માર્ગદર્શન છે. આ રીતે અમૂલ્ય મનુષ્ય જીવનને સાર્થક કરવાની વિધિ બતાવી આ ઉપનિષદ્ દ્વારા ઋષિઓએ મનુષ્ય જાતિ પર મહાન ઉપકાર કર્યો છે.